મોરબીમાં સ્વર્ગસ્થને કોરોના વેકસીન અપાયાનો ભાંડો ફૂટતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું આ ગંભીર પ્રકરણ મામલે આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
મોરબીના સર્કિટ હાઉસ નજીક રહેતા ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમના પિતા રાજેન્દ્રસિંહનુ તારીખ 23/04/21 ના રોજ દુઃખદ અવસાન થયુ હતું. આમ છતાં વડાપ્રધાનના જન્મ દિવસ 17/09/21 ના રોજ તેમના પિતાજી રાજેન્દ્રસિંહ મદારસિહ જાડેજાને વેક્સીન આપી હોવાનું આરોગ્ય વિભાગે નોંધ્યું છે. રાજેન્દ્રસિંહ એપ્રિલ માસમાં અવસાન પામ્યા હોવા છતાં તેમના નામનુ વેકસીન લીધા અંગેનું પ્રમાણપત્ર પણ જનરેટ થઈ ગયું હતું. આ ગંભીર પ્રકરણમાં ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કરી તંત્રની લાપરવાહીને ઉઘાડી પાડી હતી. જેને પગલે આરોગ્ય તંત્રના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા . બેદરકારી ઢાંકવા અનેક પ્રયાસો બાદ પણ પાપ છાપરે ચડીને પોકરતા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરાએ સો ઓરડીના મેડિકલ ઓફિસરને શો કોઝ નોટિસ ફટકારી છે. ક્યાં છીંડા રહ્યાં અને કોણે ગંભીર ભૂલ કરી તે બાબતે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
આ પ્રકરણમાં કસુરવારો દંડાશે કે ભીનું સંકેલી લેવામાં આવશે ? તે આવનારો સમય જ બતાવશે.