મોરબી: વિશ્વવંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે ઝુલતા પુલ પાસે નવનિર્મિત મંદિર પરિસરમાં એક અદભુત રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વને સંસ્કૃતિના રક્ષણ માટે મંદિરોનું નિર્માણ અને શિક્ષણ, તબીબી સેવા તેમજ ભૂકંપ-પૂર જેવી હોનારતોમાં રાહત જેવા ૧૬૨ થી વધુ સેવા કાર્યોની ભેટ આપી છે. હાલમાં આ સેવા પ્રવૃત્તિઓ મહંત સ્વામી મહારાજ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.
આ સેવા યજ્ઞ અંતર્ગત, આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ૧,૨૪,૯૫૦ સીસી. રક્ત એકત્રિત થયું હતું. ખાસ વાત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનો ઉપરાંત ૪૦ થી ૬૦ વર્ષથી સતત રક્તદાન કરતા દાતાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્ય શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અને આરએસએસ અગ્રણી ડો.જયંતીભાઈ ભાડેસિયા સહિતના અગ્રણીઓ હાજર રહીને આ રક્તદાન યજ્ઞને પ્રોત્સાહિત કર્યો હતો. તેમજ મોરબી મંદિર કોઠારી પૂજ્ય આત્મકિર્તીસ્વામી અને પૂજ્ય હરિસ્મરણસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.









