મોરબી શહેરના પંચાસર રોડ પર દબાણો હટાવવા કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન જોવા મળ્યું હતું. મોટા કાફલા સાથે યોજાયેલા મેગા ડિમોલિશન ઓપરેશનમાં રોડને નડતરરૂપ દબાણોને દૂર કરી માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૦૦ જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. તેમજ મેગા ડિમોલિશનને લઈ સુરક્ષાનાં ભાગરૂપે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર આવેલ માર્ગને પહોળો કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં નડતરરૂપ થતા મકાનોમાં રહેતા લોકોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઈ સ્થાનિક લોકોએ મોટાભાગના મકાનો ખાલી કરી દીધા હતા. જેને લઇ તંત્ર દ્વારા હાલ ૨૦૦ જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. તથા ભવિષ્યમાં જરૂર પડશે તો શહેરમાં અન્ય સ્થળે પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે તેમ પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવાયું હતું. તેમજ આ મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ૧૨૦ પોલીસ જવાનો, ૧૫ પોલીસ અધિકારી, મામલતદાર, રેવન્યુ અને પાલિકાનો સ્ટાફ ડીમોલેશનની કામગીરી દરમિયાન હાજર રહ્યો હતો.