અરબસાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી અને ત્યારથી જ તેઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ પવન સાથે મોરબી, ટંકારામાં વરસાદ વરસી રહ્યો છે. અને મોરબીમાં ભારે પવનના કારણે હોર્ડિંગ્સ અને વૃક્ષ ધરાશાઈ થયાના બનાવો સામે આવ્યા છે. જયારે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ હજુ પણ ખડેપગે રહીને કામગીરી કરી રહી છે. છેલ્લા ૪૮ કલાકથી સતત તમામ અધિકારીઓ કર્મચારીઓ ખડેપગે રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને પોલીસ દ્વારા જ વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વૃદ્ધાને વાહન ન મળતા પોલીસે પોલીસ વાનમાં બેસાડી તેને તેના ઘરે પહોચાડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.