અરબસાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. હવામાન વાભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. જે મધ્યરાત્રિ સુધી ચાલવાની હતી. ત્યારે ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચાં મકાનનાં છાપરા ઊડવા લાગ્યાં છે. ત્યારે હળવદમાં પણ છત ધરાશાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, બિપરજોય વાવાઝોડું ગઈકાલે કચ્છ ઉપર ટકરાતા તેની અસર દરિયાકાંઠા ઉપર જોવા મળી હતી. કચ્છના જખૌ બંદરે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાનું તાંડવ વહેલી સવાર સુધી યથાવત રહ્યો હતો. જેની અસર મોરબી સુધી જોવા મળી હતી. મોરબીના હળવદ શહેરના લક્ષ્મીનારાયણ ચોક નજીક આંબલી નીચેના વિસ્તારમાં આવેલ કાચા મકાનની છત ધરાશાઈ થઇ હતી. લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં આવેલ કનૈયાલાલ જોશીના મકાનની છત ધરાશાઈ થઇ હતી. જેની જાણ થતા જ સામાજિક કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તંત્રને પણ ઘટનાની જાણ કરેલ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, બનાવમાં કોઈ જ જાન હાની થયેલ નથી.