મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે મોરબી જિલ્લાના જુના સાર્દુળકા ગામ પાસેનો મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયો છે.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ આંક મુજબ, ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના ટંકારામાં ૨૫ MM, મોરબી શહેરમાં ૨૫ MM અને વાંકાનેરમાં ૨૮ MM વરસાદ વરસ્યો હતો. જ્યારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ટંકારામાં ૫ MM, માળીયા (મી.) ૨ MM, મોરબી શહેરમાં ૩ MM, વાંકાનેરમાં 5 MM અને હળવદમાં ૪ MM વરસાદ ખાબક્યો હતો. જ્યારે બીજી તરફ રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ)નાં ફોકલ ઓફીસર અને અધિક્ષક ઇજનેરનાં જણાવ્યા અનુસાર, મોરબી જીલ્લાના મોરબી તાલુકાના, જુના સાર્દુળકા ગામ પાસેનો મચ્છુ-3 ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતાં ઓવરફ્લો થયો છે. જેને કારણે ડેમના 1 દરવાજાને 1 ફુટ ખોલવામાં આવ્યો છે. તેમજ નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. જેમાં ગોરખીજડીયા, વનાળીયા, સર્દુળકા, માનસર, રવાપર (નદી), અમરનગર, નરણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેધપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, ફતેપર, માળીયા-મીયાણા અને હરીપર ગામનાં લોકોને સૂચના અપાઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ડેમમાં 939 ક્યુસેક ના પ્રવાહની આવક સામે ડેમમાંથી હાલ 939 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે.