મોરબીમાં રહેતા આધેડે પોતાના મિત્ર સામે વ્યાજખોરીની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વ્યાજે લીધેલા કટકે કટકે રૂ.૩૫.૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ત્યારબાદ જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લેતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા, અંતે ભોગ બનનારે વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના પંચાસર રોડ, ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણી ઉવ.૪૨ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિપુલભાઈ અવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ફરિયાદી ભાગીદારીમાં જુના બેરલ-બેગનો ધંધો શરૂ કરવા ઇચ્છતા હતા. જેમાં પૈસાની જરૂરિયાતને કારણે તેમણે આરોપી વિપુલભાઈ અવાડીયા જમાવટ સિલેક્શન, નવયુગ ગારમેન્ટ્સ સામે મોરબી વાળા પાસેથી કટકે કટકે વ્યાજે ૩૫,૫૦,૦૦૦/- રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં દરરોજ રૂ.૮૨,૦૦૦/- વ્યાજ ચુકવવું પડતું હતું. કેટલાક સમય સુધી રોકડા તથા ઑનલાઇન ટ્રાંજેક્શનથી વ્યાજ ભર્યા બાદ ફરિયાદી વ્યાજની રકમની ચૂકવણી ન કરી શક્યા. જેથી આરોપી વિપુલભાઈએ તેમને ધમકી આપી કે, “રૂપિયા નહીં આપો તો તમારી જોડિયા (જામનગર)ની નવ વિધા જમીનનો દસ્તાવેજ મારા નામે કરી આપવો પડશે, નહિ તો જાનથી મારી નાખીશ.
ત્યારબાદ તા.૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વિપુલભાઈએ શૈલેષભાઈને કીયા કારમાં લઈ જઈ વકીલ મારફતે સબ-રજીસ્ટ્રાર ઓફિસ, જોડિયા ખાતે જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી નાખ્યો હતો. હજુ પણ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા અંતે પીડિત દ્વારા કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી વિપુલભાઈ અવાડીયા સામે બીએનએસ કલમ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.