મોરબી તાલુકાના ટીંબડી ગામના બોર્ડ પાસે પુરપાટ ઝડપે બાઇક ચલાવીને જતા બાઇક ચાલકે પોતાના બાઇક ઉપર સમતોલન ગુમાવતા બાઇક સ્લીપ થઈ જતા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મૂળ હરિયાણા રાજ્યના ભીવાણી શહેરના રહેવાસી હાલ મોરબી-૨ સીરામીક સીટી ટાવર ૨ ફ્લેટ ૧૦૩માં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યોગેશ બરંજ શર્મા ગત તા.૧૫/૦૧ના રોજ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસેથી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-કે-૩૨૨૩ ઘરે પરત આવતા હોય ત્યારે ટીંબડી ગામના બોર્ડ પાસે બાઇક ઉપર સમતોલન ગુમાવ્યું હતું, અને યોગેશભાઈનું બાઇક સ્લીપ થઈ જતા યોગેશભાઈને શરીરે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે યોગેશભાઈને પ્રથમ સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન યોગેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર અકસ્માત અંગે મૃતક યોગેશ બરંજ શર્માના પત્ની ગુરુદર્શન કોરની ફરિયાદને આધારે તાલુકા પોલીસે મૃતક યોગેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.