લોડર, ડમ્પર અને ટ્રેક્ટરો સહિત રૂ. ૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો.
મોરબી ખાણ ખનીજ વિભાગે હળવદ તાલુકાના ચાડધ્રા નદી પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન અને વહન કરતા વાહનોને ઝડપી પાડ્યા છે. રેડ દરમ્યાન કુલ એક લોડર, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો મળીને અંદાજે રૂ. ૫૫ લાખનો મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ રૂલના કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.
મોરબી જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની સૂચના અન્વયે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરીના નેતૃત્વમાં તા.૧૮મે ૨૦૨૫ના રોજ હળવદ તાલુકાના ચાડધ્રા નદી પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ ઉપરથી એક જોન ડિયર કંપનીનું લોડર તેના માલિક મુકેશભાઈ ભરવાડ રહે. ધનાળા ફાટક, ખાલી હાલતમાં એક ડમ્પર રજી.નં. જીજે-૧૩-એડબલ્યુ-૭૨૩૪, તેમજ બે ખાલી ટ્રેક્ટરો- એક સ્વરાજ ૭૩૫ એફઈ જેના માલિક ગેલાભાઈ કવાડીયા રહે. મયૂરનગર અને બીજું સ્વરાજ ટ્રેક્ટરના માલિક નીતિનભાઈ કોળી રહે.દેવળીયા વાળાના વગણ મળી આવ્યા હતા. આ તમામ વાહનો રેતી ખનન અને પરિવહન માટે બિનઅધિકૃત રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં હોવાના પુરાવા મળતાં ખાણ ખનીજ વિભાગે તમામ વાહનોની અંદાજે ૫૫ લાખની કિંમતનો મુદામાલ સીઝ કરી હળવદ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપી દીધો છે. જ્યારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ-૨૦૧૭ મુજબ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.