મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિતની પરિસ્થિતિમાં તેમજ કોરોનાની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૮ મે-ર૦ર૧ થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.
આ ૩૬ શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. ૧૮મી મે સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે.આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો કર્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૧૮ મે-ર૦ર૧ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧ મે-ર૦ર૧ના સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે.