ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક યાત્રાળુઓ પુરની પરિસ્થિતિ વચ્ચે ફસાયા છે તેવામાં મોરબીના 47 શ્રધ્ધાળુઓ અટવાયા હોવાની જાણ થતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ લોકોની મદદ માટે રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કમિશ્નર સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો છે તમામ મદદની તાકીદ કરી છે.
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ ખાબકતા વિનાશ વેરાયો છે. જેમાં ફસાયેલા યાત્રિકોમાંથી મોરબીના પાંચ બાળકો, પંદર મહિલાઓ, પાંચ વૃદ્ધો સહિત કુલ 47 લોકો ફસાયાના વાવડ મળી રહ્યા છે. જેની જાણ થતાની સાથે જ યાત્રાળુઓને કોઈપણ પ્રકરની મુશ્કેલું ન પડે તે માટે તંત્રને તાકીદ કરાઈ છે.
વધુમાં યાત્રાળુ વિવેકભાઈ પરમાર સાથેની વાતચીત દરમિયાન મંત્રીએ તમામના ખબર અંતર પૂછ્યા હતા જેમાં તમામ લોકો હેમખેમ અને સલામત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રહેવા જમવાની વ્યવસ્થા હોવાનું પણ જણાવ્યું હતું. વરસાદને પગલે રસ્તા બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે પરંતુ પરિસ્થિતિ થાળે પાડવા સ્થાનિક તંત્ર મહેનત કરી રહ્યું છે.તેમ ફસાયેલા યાત્રાળુઓએ જણાવ્યું હતું. પુર અસરગ્રસ્ત લોકોને હેમખેમ પરત લાવવા મંત્રી બ્રિજેશ મેરજા સતત તંત્રના સંપર્કમાં રહી દિશા નિર્દેશ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફસાયેલા લોકો માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્પ લાઇન નંબર 079-23251900 જાહેર કરાયો છે.