માળીયા તાલુકાના ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૭૬ કિલોમીટરના વિવિધ રોડ-રસ્તા, રી-સર્ફેસીંગ તેમજ કાચા રસ્તામાંથી પાકા રસ્તા બનાવવાના વિવિધ કામોનું શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાઓ ૭૬ કિલો મીટરની લંબાઈના ૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે તેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. હાલમાં ૧૯ સ્થળો પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે માળીયા તાલુકાની પ્રજાની લાંબાગાળાની માંગણીઓ પૂરી કરી છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી આપવા માટે વચન આપ્યું હતું જે વચનો પૂર્ણ કર્યા હતા સાથે જ માળિયાની પ્રજાના પ્રશ્નો અંગે સતત સરકાર સમક્ષ રજૂ કરી નવા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા માળીયા પીપળીયા હજનાળી સ્ટેટ હાઇવે, કુંતાસીથી હજનાળી તથા કુંતાસીથી મોટી દહીંસરા, સ્ટેટ હાઇવેથી બોડકી, મોટી દહીસરા થી નાનાભેલા, મોટી દહીંસરાથી કૃષ્ણનગર રસ્તા પર સ્લેબ ડ્રેઇનનું કામ, વવાણીયાથી ચમનપર-નાનાભેલા, વવાણીયાથી વર્ષામેડી, મોટા ભેલાથી જશાપર, સરદારનગરથી પીપળીયા-મહેન્દ્રગઢ-સરવડ, મોટી બરારથી નાની બરાર, નાની બરાર થી જાજાસર, હળવદ સ્ટેટ હાઇવે થી પંચવટી ખીરઇ, સ્ટેટ હાઇવે થી વિરવદરકા, ખાખરેચી થી વેણાસર, જૂના ઘાંટીલા થી ટીકર તથા મંદરકી એપ્રોચ રોડનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, અગ્રણીઓ જિગ્નેશભાઇ કૈલા, હીરાભાઈ ટમારિયા, બાબુભાઈ હુંબલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ચૌધરી, કિશોરભાઈ ચીખલિયા, સુભાષભાઈ પડસુબીયા, ગામના સરપંચઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.