કેનાલનો વિસ્તાર, નવા પંચાયત ઘરોના કામો, મીઠાના અગરીયાઓના વળતર તેમજ મોરબી શહેરી વિસ્તારના કામો અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી જિલ્લાની મુલાકાત વેળાએ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મોરબી સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે યોજાયેલ સમીક્ષા બેઠકમાં મચ્છુ ૧,૨ અને ૩ હેઠળ માળીયા તાલુકાના ૧૦-૧૨ ગામોમાં કેનાલનો વિસ્તાર કરવા અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાંત મનરેગા હેઠળ નવા પંચાયત ઘરોના કામો મંજૂર થયેલ છે તેવા કામો તાત્કાલીક શરૂ કરવા અંગે પણ મંત્રી એ સુચનાઓ આપી હતી. માળીયા તાલુકાના રાસંગપર ગામે રમત-ગમતનું મેદાન મંજૂર કરવા અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. હરીપર વિસ્તારના મીઠાના અગરીયાઓને વળતર બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને સુચનાઓ આપવામાં આવી હતી.
મોરબીના નવનિયુક્ત ચીફ ઓફિસરને શહેરના સમતોલ વિકાસ કામોને આગળ વધારવા તેમજ પેન્ડીંગ કામોને તાત્કાલીક પૂર્ણ કરવા બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ડીઆરડીએ નિયામક મીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ચીફ ઓફિસરશ સંદિપસિંહ ઝાલા, મોરબી માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા સહિતના પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.