મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે. જેનો ૯ ઓક્ટોબરે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે. જેમાં એમ.એસ.એમ.ઈ. યોજનાઓની જાણકારી, એક્સપોર્ટ વર્કશોપ, ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ, નેટવર્કિંગ સેશન અને પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાશે.
માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અન્વયે જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર અનુરૂપ લગભગ ૯૦ થી વધુ એમ.ઓ.યુ. થનાર છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની એમ.એસ.એમ.ઈ. યોજનાઓની જાણકારી આપતું પ્રેઝન્ટેશન, એક્સપોર્ટ વર્કશોપ, ઉદ્યોગપતિઓ સાથે ઓપન હાઉસ, નેટવર્કિંગ સેશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રદર્શન, રજીસ્ટ્રેશનની માહિતી તેમજ પ્રોડક્ટ સ્ટોલ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે.