માળીયા તાલુકાના વિશાલનગરના ગ્રામજનોની માંગને લઈને મોરબી – માળીયાના ધારાસભ્ય અને રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ ગામને અલગ ગ્રામ પંચાયત મંજુર કરાવી છે.
માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયત કરવાની લાંબા સમયથી લોકોની માંગ હતી.માળીયા (મી) તાલુકાના ભાજપા આગેવાન તેમજ સુલતાનપુર ગામના આગેવાનોએ આ બાબતે ધારાસભ્ય અને પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરી હતી. જેને લઈને તાત્કાલિક નિર્ણાય લઈ વિશાલનગર ગ્રામ પંચાયતને અલગ દરજજો આપતાં હુકમો કરવામાં આવ્યો છે. વધુમાં માળીયા તાલુકાના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે રાજયમંત્રી બ્રિજેશ મેરજાની મુલાકાતે ગયું હતું જ્યાં માળીયા (મી) તાલુકાના સિંચાઇ, પીવાનું પાણી, સાગર ડેમ, રસ્તા, એસ.ટી. બસ રૂટોની સુવિધા, ૧૦ એકર અગરીયાના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. જેમાં મંત્રી મેરજાએ તાબડતોડ જે – તે વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક સાધી આ અંગે જરૂરી સૂચનાઓ આપી ત્વરિત કામોનો નિકાલ થાય તેમ જણાવ્યું હતું.
આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લા ભાજપા મહામંત્રી બાબુભાઇ હુંબલ , માળીયા (મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા , માળીયા (મી) તાલુકા ભાજપા મહામંત્રી અરજણભાઇ હુંબલ, મનીષભાઇ કાંજીયા, તાલુકા યુવા ભાજપા પ્રમુખ હિતેશભાઇ દસાડીયા, માળીયા (મી) તાલુકા ભાજપા આગેવાન આર.કે.પારેજીયા, તાલુકા ભાજપા કિસાન મોરચો પ્રમુખ નિલેશભાઇ સંઘાણી, કિસાન મોરચોના અગ્રણી દેવાભાઇ ડાંગર, ધર્મેશભાઇ કાલરીયા, આશીષભાઇ દસાડીયા (એડવોકેટ) સહિતના લોકો ઉપસ્થિત રહયા હતાં .