રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ગુરુવારે સાંજના સમયે મોરબીમાં પધાર્યા હતા. અને અહીં તેમણે વિવિધ રજૂઆતો સાથે આવેલ 52 થી વધુ અરજદારોને સાંભળ્યા હતા અને તેમની રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. તેમજ પોલીસની SIT ટીમની કામગીરીને બિરદાવી હતી. આટલું જ નહીં મોરબીના ચકચારી સર્વે નંબર 602 જમીન કૌભાંડ મામલે કહ્યું હતું કે, આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે સાંજે મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા છે. ગૃહમંત્રીનું એસપી કચેરી ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ રજૂઆતો સાથે આવેલ 52 થી વધુ અરજદારોને હર્ષ સંઘવીએ સાંભળી હતી અને અરજદારોની રજૂઆત અંગે યોગ્ય નિરાકરણ કરવા ખાતરી આપી હતી. તેમજ ગૃહમંત્રીએ ઉદ્યોગપતિના અન્ય રાજ્યોમાં ફસાયેલા રૂપિયા પરત લાવવા માટે રચના કરાયેલ મોરબી પોલીસની SIT ટીમની કામગીરીને બિરદાવી હતી. તેમજ અનેક અરજદારોએ ગૃહમંત્રીને રૂબરૂ મળી પોલીસની કામગીરીને વખાણી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ મોરબીના ચકચારી સર્વે નંબર 602 જમીન કૌભાંડ મામલે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જમીન કૌભાંડના તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. તેમજ વિરોધ પક્ષ દ્વારા પોલીસ કઈ કરતી નથી તેવા આક્ષેપો કરવામાં આવતા તેના જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે, આરોપીઓને ગુજરાત પોલીસે જ પકડ્યા છે. એના માટે અરજદારે ગાંધીનગર ધક્કા ખાવા પડ્યા નથી.