મોરબીમાં બાર એસોસિએશન સાથે કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. તેમજ મંત્રી કૌશિક વેકરિયાએ મોરબીમાં ગુજરાત ગેસ કચેરીની મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો.
મોરબીમાં કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોને લઇ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા મોરબી જિલ્લાની મુલાકાતે છે. તેમણે મોરબી કલેકટર કચેરી ખાતે જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં તમામ નાગરિકોને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મંત્રીએ તમામ પ્રશ્નોને અને ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી. મોરબી પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, જિલ્લાના કાયદા નિષ્ણાતોના પ્રશ્નો સાંભળવા સરકારના પ્રતિનિધિ તરીકે કાયદા મંત્રી જિલ્લામાં આવે તે ખૂબ જ મહત્વની બાબત છે. સમાજને કાયદાકીય નેતૃત્વ પૂરું પાડવામાં તેમજ તેમની સામાજિક ઉન્નતી માટે વકીલો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રી કૌશિક વેકરીયાએ મોરબી જિલ્લામાં ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કચેરીના પરિસરની મુલાકાત લઇ તેના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કંટ્રોલ રૂમ સહિતની મુલાકાત લઇ કંપનીના વહીવટી માળખા તેમના ધ્યેય કામગીરી તથા પર્યાવરણ જાળવણી માટે કયા પગલાં લેવામાં આવે છે સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. મોરબી બાર એસોસિએશન સાથેની બેઠકમાં એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા જિલ્લામાં નિર્મળા દિનની કામગીરીમાં ઝડપ લાવવા તથા તેના પ્લાનિંગમાં અમુક સુધારા કરવા, મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ ફરી શરૂ કરવા તથા સિરામિક ઉદ્યોગને ધ્યાનમાં રાખીને મોરબીમાં નેગોસીએબલ કોર્ટ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી સાથે કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ, અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર, મોરબી આસિસ્ટન્ટ ચેરિટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ જાડેજા, મોરબી બાર એસોસિએશનના પ્રમુખ સહિત પદાધિકારીઓ, ગુજરાત ગેસના સર્કલ હેડ ડો. કમલેશ કણજારીયા અને અધિકારીઓ/કર્મચારીઓ તથા અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા.









