મોરબી જીલ્લામાં ઓક્ટોબર-૨૦૨૫માં પડેલ કમોસમી વરસાદથી થયેલ ખેતીપાકને નુકસાન બાબતે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તમામ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને હાલ કમોસમી વરસાદની પરિસ્થિતિમાં સરકાર સંવેદનશીલ બની કામગીરી કરી રહી છે, ત્યારે અધિકારી/કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવી ખેડૂતો માટે કામગીરી કરવા જણાવ્યું હતું. નુકસાની સર્વેની કામગીરી સમય મર્યાદામાં કરી કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ તાકીદ કરી હતી. વધુમાં હાલ કેટલી ટીમ છે તે બાબતે માહિતી મેળવી જરૂર પડ્યે ટીમ વધારવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં તાલુકાવાર અને પાકવાર ફાઈનલ વાવેતર મુજબ ખરીફ પાક-૨૦૨૫ ની સ્થિતિ, વર્ષ-૨૦૨૫ માં વરસાદની આંકડા, જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનની તાલુકાવાર વિગતો, નુકસાનગ્રસ્ત વિસ્તાર અને સર્વેની જોગવાઈ તથા તેની અમલવારી સહિતના મુદ્દાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા અને કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, તાલુકા પંચાયતના પ્રમુખો, પ્રાંત અધિકારી સર્વ સુશીલ પરમાર, ધાર્મિક ડોબરીયા, વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ જીલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જીલ્લા ખેતવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા









