મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરાનું લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. જેને લઇને ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમો હેઠળ બે ઇસમોની સામે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાવની મળતી માહિતી પ્રમાણે, મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે તા.૨૧-૧-૨૫ ના રોજ અપહરણ કરી જવામાં આવ્યું હતું.જે સગીરાની પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ સગીરાનો કોઈ પતો લાગ્યો ન હતો.જેથી સગીરાના પરિવાર દ્વારા વિશાલ ગોવર્ધનભાઈ વર્મા (રહે.મોવાસા મધ્યપ્રદેશ) અને અશોક ગોરીલાલ વર્મા (રહે. રાજગઢ મધ્યપ્રદેશ) નામના બે ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જે અનુસંધાને પોલીસે અપહરણ, બળાત્કાર અને પોકસો સહિતની કલમો હેઠળ બંને ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.