પેઈજ સમિતિની રચના કરી બ્રિજેશ મેરજાએ મોરબીના પ્રભારી સૌરભભાઈ પટેલને યાદી સુપ્રત કરી: સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં પેઈજ પ્રમુખોની જવાબદારી ફિક્સ થઈ
લગભગ ફેબ્રુઆરી માસમાં યોજાવવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ભારતીય જનતા પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ પેઈજ પ્રમુખ બનીને પોતાની જવાબદારીનો પ્રારંભ કર્યો છે.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી અને તેઓની દેખરેખ હેઠળ રાજ્યમાં પેઈજ પ્રમુખ બનાવવાની અને બુથ લેવલની જવાબદારી સ્વીકારવાની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. ત્યારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પેઈજ પ્રમુખ બની પોતાની જવાબદારી નિભાવવાનો પ્રારંભ કર્યો હતો. સી.આર.પાટીલ સૌ પ્રથમ પેઈજ પ્રમુખ બન્યા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મનસુખ માંડવીયા, અમિત શાહ સહિતના નેતાઓએ પેઈજ પ્રમુખ બની પેઈજ સમિતિની રચના કરી છે. ત્યારે બ્રિજેશ મેરજાએ પણ પેઈજ સમિતિ બનાવીને તેની યાદી પ્રભારી મંત્રી સૌરભ પટેલને સોંપી હતી.
આ તકે જિલ્લા સંગઠન પ્રભારી મેઘજીભાઈ કણજારીયા, જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા તથા તાલુકા મહામંત્રીઓ, માળીયા તાલુકા પ્રમુખ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક પેઇજમાં 6 કાર્યકર્તાઓના નામની યાદી સંપૂર્ણ વિગત અને ફોટા સાથેની હોય છે. મોટાભાગે આવા 50 પેઈજ એટલે કે 300 નામોની યાદી એક સમિતિમાં બનાવવાની હોય છે. ચૂંટણી પ્રચાર અને મતદાન દરમિયાન આ સમિતિમાં નોંધાયેલા સભ્યો પાસેથી પાર્ટીનું કાર્ય કરવાની જવાબદારી પેઈજ પ્રમુખના શિરે હોય છે.