તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે મોરબીનાં ધારાસભ્યની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજદારે કાંતિ અમૃતિયા દ્વારા જણાવવામાં આવેલ માહિતી વિરુદ્ધ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અને મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે તેમની જીતને પડકારતી ઇલેક્શન પિટિશન ફાઈલ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લે જે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતો. તેમાં મોરબી માળીયા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મહિલા અપક્ષ ઉમેદવાર માઘુ નિરૂપા નટવરલાલ દ્વારા વિજેતા ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા સામે હાઇકોર્ટમાં ઈલેકશન પીટીસન દાખલ કરવામાં આવેલ છે. જેમાં તેણે જણાવ્યુ છે કે, કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે જે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમાં રજૂ કરેલ એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપવામાં આવી છે. વધુમાં તેમાં જણાવ્યુ છે કે, વર્ષ 2017ની ચૂંટણીના એફિડેવીટમાં અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી તેમ લખ્યુ છે. અરજદારનો આક્ષેપ છે કે એફિડેવિટમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરકારી ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે, પણ અમૃતિયાએ આમ નથી કર્યું. અને તેના માટે લાગુ પડતાં વિભાગોની પાસેથી સર્ટિફિકેટ લઈને સોગંદનામાં સાથે તેને જોડાવું પડે તે જોડવામાં આવેલ નથી તેમજ એફિડેવિટમાંથી એક કૉલમ જ ઉડાવી દેવામાં આવી હતી જેની સામે વાંધો લેવામાં આવ્યો હતો ત્યાર બાદ નવું એફિડેવિટ આપવામાં આવ્યું હતું જો કે, ફોર્મની ચકાસણી થઈ ગયા પછી ચૂંટણી અધિકારી દ્વારા નવું એફિડેવિટ સ્વીકારી લેવામાં આવ્યું હતું જે ખોટી રીતે કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિ અમૃતિયા મોરબી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા. કાંતિ અમૃતિયાની સામે કોંગ્રેસના જયંતિ પટેલ મેદાનમાં હતા.