વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીએ મોરબી કલેકટરને પત્ર લખી મોરબી જિલ્લામાં મંજૂરી વિના ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા બાબતે રજૂઆત કરી છે. મોરબી જિલ્લામાં કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વિના ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા ધારાસભ્યે રજૂઆત કરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર – કુવાડવાના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ મોરબી કલેક્ટરને પત્ર લખી ગેર કાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત કરી છે. જેમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં જાહેર રોડ રસ્તા પર ચાલતા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની વારંવાર ફરીયાદ મળી રહી છે. તેથી અંગત ભલામણ કરી હાઈકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જે કોઈ માલીકીની જમીન નથી, કોઈપણ પ્રકારની મંજૂરી કે ફૂડ લાઈસન્સ નથી કે વેચાણની મંજૂરી નથી અને જાહેરમાં લોકોના આરોગ્યને અને ધાર્મીક લાગણી ન દુભાય અને પર્યાવરણને નુકશાન ન થાય તે રીતે જાહેરમાં વેચાણ કરતા હોય અને તેવા તત્વો પોતાના નાણાકીય લાભ માટે સામાજીક દૂષણ બન્યા હોય તો તાત્કાલીક ધોરણે પગલાં લેવા ભલામણ કરી છે હિન્દુ સમાજના લોકોની ધાર્મીક લાગણી સાથે જાણી જોઈને લાગણી દુભાવવા માટે કાર્ય કરતાં લોકો સામે વહીવટીતંત્ર કડક પગલાં ભરી શકે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે માટે તાત્કાલિક જાહેરનામું અમલમાં હોય તો કડક અમલ કરવા માટે ભલામણ કરી છે. વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલ મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી માસ, મટન અને મચ્છીનો વગર લાઈસન્સે ખુલ્લે આમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારના લોકોની રજૂઆત છે કે ત્યાંથી પસાર થતા લોકોને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે. અને દરરોજ ત્યાંથી આવતા જતાં લોકોની હિન્દુત્વની લાગણી દુભાય છે સાથે જ નાના નાના બાળકોને ભયંકર રોગચાળાનો પણ સામનો કરવો પડે છે. તેમજ વધુમાં ધારાસભ્યે જણાવ્યું છે કે આ રીતે રોજ એક પત્ર દ્વારા આ પ્રકારની માહીતી આપીશ જેથી આપને યોગ્ય પગલાં ભરવા માટે માહીતી મળી રહે. તે ઉપરાંત કલેકટરે ગણપતિ વિસર્જન માટે જાહેરનામું બહાર પાડેલ અને તેનો ચુસ્તપણે અમલ કરાવતા તે શું માત્ર હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને જ જાહેરનામું બહાર પાડેલ હતું…? તો પછી અન્ય ધર્મના લોકો જે ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે તે માટે તમે જાહેરનામું બહાર ન પાડી શકો…? અને તેનો ચુસ્તપણે અમલ ન કરાવી શકો….? તેવા પ્રશ્નો સાથે કલેક્ટરને ભલામણ કરવામાં આવી છે.