તાજેતરમાં મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મોરબીના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા ઉભી મોલ નષ્ટ થઈ જવા પામી હતી. તેમજ ભારે વરસાદે અનેક રસ્તાઓ તથા બ્રિજોમાં નુકશાન કર્યું હતું. જે અંગે ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી આ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયેલ છે. આ કુદરતી આપત્તિને કારણે મારા મત વિસ્તાર ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતો ઉપરાંત સામાન્ય નાગરિકોના જીવન અને આજીવિકા ઉપર ગંભીર અસર થઈ છે. ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફળ, ખારેક, ડ્રેગનફ્રુટ વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. તાજેતરમાં થયેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોના બાગાયતી પાકને નુકશાન થયેલ છે. જે નુકશાનના વળતર માટે મારા મત વિસ્તારના ખેડૂતો દ્વારા સહાયની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હળવદ તાલુકામાં આવેલ વિવિધ બ્રીજો/પુલો જેવા કે દીઘડીયા પુલ, મયુરનગર પુલ, કોયબા પુલ અને ઘણાદ-રણમલપુર બ્રીજ તુટી જવાથી આ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અનેક રોડ રસ્તા તુટી જવા પામેલ છે. આમ, હળવદ ખાતે અતિભારે વરસાદથી ખુબ જ નુકશાન થવા પામેલ છે. આથી આ બાબતે વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે તેમજ જે રોડ/બ્રીજ/પુલો તુટી ગયા છે તેને સત્વરે રીપેરીંગ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરાવવા ભલામણ. તેમ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.