મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ની રજૂઆતને પગલે રાજ્યના કૃષિ પશુપાલન,ગૌસંવર્ધન મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લાના મોરબી તાલુકાના નાગડાવાસ અને માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ ખાતે નવીન પશુ દવાખાનું મંજૂર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યની અર્થવ્યવસ્થામાં કૃષિ અને પશુપાલન વ્યવસાયનો નોંધપાત્ર હિસ્સો છે.ત્યારે ગુજરાત સરકારની ખેડૂત અને પશુપાલક કેન્દ્રિત નીતિઓ અને તેનું અમલીકરણ ગામો અને નગરોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. છેલ્લાં બે દાયકાઓમાં, રાજ્ય સરકારે કૃષિ વિષયક અનેક નીતિવિષયક નિર્ણયો લીધા છે ત્યારે ગુજરાતના વિકાસને વધુ વેગવંતો બનાવવો અને ખેડૂતો,પશુપાલકો અને માછીમારોને વધુ સમૃદ્ધ બનાવવા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારની પ્રાથમિકતા રહી છે.ત્યારે રાજ્યના કૃષિ પશુપાલન, ગૌસંવર્ધન મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રાલયના મંત્રી રાઘવજી પટેલ દ્વારા મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને પત્ર લખીને જાણ કરી છે કે પશુપાલન વિભાગમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મંજુર થયેલ પશુ દવાખાના પૈકી મોરબી જીલ્લાના માળિયા (મિ) તાલુકાના ખાખરેચી ખાતે તેમજ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે નવીન પશુ દવાખાનું મંજુર કર્યું છે.