મોરબી: કમોસમી વરસાદને કારણે મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકાના ખેડુતોના કપાસ અને મગફળી સહિતના પાકને થયેલી ભારે નુકસાની અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી, અને તાત્કાલિક સર્વે કરીને સહાય આપવા વિનંતી કરી છે.
મોરબી જીલ્લા સહિત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે અસર પહોંચી છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેમના મતવિસ્તારના મોરબી, ટંકારા, પડધરી અને રાજકોટ તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર તેમજ ઉભા પાક બંનેને ભારે નુકસાન થયું છે. ત્યારે અનેક ખેડૂતો દ્વારા પાક બગાડની રજુઆતો મળી રહી છે અને સ્થિતિ ગંભીર બની છે. તેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરાવી ખેડૂતોને સહાય મળી રહે તે માટે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે. આ સાથે સરકારને ખેડૂતહિતમાં તાત્કાલિક પગલાં લેવા અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતરરૂપ સહાય આપવા વિનંતી કરી છે.


 
                                    






