મોરબી-કંડલા બાયપાસ રોડ સ્થિત નેક્સસ સિનેમા ખાતે આગ લાગ્યાની ઘટના અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર કંટ્રોલ રૂમને સાંજે ૭ વાગ્યે મળેલા કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમ માત્ર ૧૨ મિનિટમાં સ્થળે પહોંચી રેસ્ક્યુ તથા ફાયર ફાઈટિંગની કાર્યવાહીને સફળતાપૂર્વક અંજામ આપી સફળ મોકડ્રિલ દ્વારા સિનેમા સ્ટાફ અને લોકોમાં સુરક્ષા જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીમાં ગઈકાલ તા. ૨૫/૧૧/૨૦૨૫ના રોજ મોરબી-કંડલા બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે આવેલા નેક્સસ સિનેમાના સંચાલક દ્વારા સ્ક્રીન-૨માં આગ લાગ્યાની ઘટના અંગે સાંજે ૭:૦૦ કલાકે મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં કોલ કરીને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ મોરબી ફાયર વિભાગ તાત્કાલિક સક્રિય બની માત્ર ૧૨ મિનિટમાં ફાયર ફાઇટર તથા તમામ આધુનિક સાધનો સાથેની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ત્યાં હાજર બધા સ્ટાફ અને દર્શકોને સલામત સ્થળે ખસેડ્યા તેમજ ૦૨ કેઝ્યુલિટીઓને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યારબાદ ફાયર ફાઈટીંગની કામગીરી કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, આ સમગ્ર કાર્યવાહી મોકડ્રિલ હોવાનું જાહેર કરતાં હાજર લોકોમાં રાહત જોવા મળી હતી. સિનેમા સ્ટાફે પણ સમગ્ર પ્રક્રિયામાં પૂરતો સહકાર આપ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ આગ જેવી અચાનક આપત્તિ સમયે કેવી રીતે લોકોનો બચાવ કરવો, પ્રાથમિક પગલાં કેવી રીતે લેવા અને કેઝ્યુલિટીને કેવી રીતે રેસ્ક્યુ કરવી તે બાબતે જનજાગૃતિ ફેલાવવાનો હતો.









