મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે Group “D” ભરતી માટેના નિઃશુલ્ક મોક ટેસ્ટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ
મોરબી: રેલ્વે ભરતી બોર્ડની Group “D” લેવલ-૧ ભરતી માટે મોરબી જીલ્લા પંચાયત દ્વારા ૧૫ જૂન ૨૦૨૫ના રોજ ત્રણ અલગ અલગ કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓ.એમ.આર. પધ્ધતિથી લેવાતી આ પરીક્ષા માટે ઉમેદવારોને મોરબી જીલ્લા પંચાયતની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group “D” (Level-1)ની ૩૨,૪૩૮ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ઝોન, અમદાવાદ માટે ૪,૬૭૨ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતી માટે એસ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા ડિપ્લોમા પાસ ઉમેદવારો અને ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા યુવાનો લાયક માનવામાં આવ્યા છે. મોરબી જીલ્લાની યુવા પેઢીને સરકારી નોકરી માટે યોગ્ય માર્ગદર્શન અને તૈયારીના અવસરો મળે તે હેતુથી મોરબી જીલ્લા પંચાયત દ્વારા આગામી તા.૧૫ જૂન ૨૦૨૫, રવિવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન રેલ્વે Group “D” પરીક્ષાના આધારે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા ઓ.એમ.આર પધ્ધતિથી લેવાશે અને રેલ્વે ભરતી બોર્ડના સિલેબસ મુજબ રહેશે. ઉમેદવારોને સવારે ૧૦:૦૦ વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું ફરજિયાત રહેશે.
આ સાથે ત્રણ કેન્દ્રોમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકા માટે
શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, ભડિયાદ રોડ, મોરબી તથા વાંકાનેર તાલુકા માટે શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ અને શ્રી અમરસિંહજી હાઈસ્કૂલ, વાંકાનેર તેમજ હળવદ તાલુકા માટે
સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ, મોરબી-માળીયા ચોકડી, હળવદ એમ ત્રણ કેન્દ્રો ઉપર મોકટેસ્ટ પરીક્ષા યોજાશે. મોકટેસ્ટ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અનિવાર્ય
આ મોક ટેસ્ટ માટે મોરબી જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મુકેલી લીંક મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગત તા.૧૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ મોરબી જીલ્લા પંચાયત દ્વારા જીલ્લામાં ત્રણ પરીક્ષા કેન્દ્રો પર મોક ટેસ્ટ યોજી હતી જેમાં ૧૯૧ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં ઉમેદવારો તરફથી ખૂબ સારો પ્રતીસાદ મળેલ હતો. ઉમેદવારો દ્વારા ફરી વખત મોક ટેસ્ટ યોજવાની વિનંતી ધ્યાને લઈ ફરી વખત મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.