અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન લઈને નાસી ગયો
મોરબીની વાવડી ચોકડી ખાતે અવાર નવાર ટ્રાફિક જામની સ્થિતિ તથા સતત હજારો વાહનોની અવર જ્વર વચ્ચે નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટનામાં મોપેડ ચાલક પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં અજાણ્યા બોલેરો ચાલકે પુરપાટ ગતિએ તેનું વાહન ચલાવી મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર પ્રૌઢ રોડ ઉપર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ હવેલી શેરીમાં રહેતા જયદાન અંબાદાન જીબા ઉવ.૩૭ એ અજાણ્યા બોલેરોના ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૯ ડિસેમ્બરના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં અજાણ્યા બોલેરો વાહનના ચાલકે પોતાના હવાલાવાળી બોલેરો ગાડી પુરઝડપે ગફલત ભરી રીતે બેદરકારી પુર્વક ચલાવી ફરીયાદીના પિતાના એક્ટીવા સ્કુટર રજી નં. જીજે-૩૬-એડી-૪૫૧૮ વાળા સાથે સાઇડમા અથડાવી અડફેટે લેતા પ્રૌઢ નીચે પડી જતા તેઓને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી બોલેરો ચાલક પિતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો, બીજીબાજુ ઇજા પામનાર પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ પોલીસે અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.