પોલીસને દૂરથી આવતા જોઈ કાર રેઢી મૂકી બુટલેગર નાસી ગયો
મોરબી શહેર પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ ૩/૪ ના ખૂણે શંકાસ્પદ કાર ઉભેલ દેખાતા, કારની તલાસી લેવા પોલીસ ટીમને નજીક આવતા જોઈ કાર અંદર બેઠેલ રીઢો બુટલેગર કાર રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો, ત્યારે કારની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવી હતી.
મળતી માહિતી અનુસાર, સીટી એ ડિવિઝન પોલીસ ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાત્રીના ૧ વાગ્યાની આસપાસ લાતી પ્લોટ શેરી નં. ૩/૪ ના ખૂણે પહોચતા, ત્યાં એક કાર ઉભેલી હોય, જેમાં કાર-ચાલક પણ બેઠેલ જણાઈ આવતા, કારની વિશે માહિતી મેળવવા પોલીસ ટીમ કાર નજીક પહોંચ્યા હોય ત્યારે કાર-ચાલક કારમાંથી ઉતરીને નાસી ગયો હતો. ત્યારે રેઢી કાર મૂકીને નાસી જનાર આરોપી સમીર જુસબભાઈ કટીયા રહે.લાતી પ્લોટ ૩/૪ ના ખૂણે મોરબી વાળો હોવાનું પોલીસ ટીમ દ્વારા ઓળખી લેવામાં આવ્યું હતું. જે બાદ કારની અંદર તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૩,૬૦૦/-મળી આવી હતી. હાલ પોલીસે ઔરા કાર રજી.નં. જીજે-૦૩-એલજી-૫૨૬૨ કિ.રૂ.૫ લાખ તથા વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.૫,૦૩,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ નાસી જનાર આરોપી સમીર કટીયાને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.