મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે ૨૫૦ એચપીના બે નવા પંપ લગાડવાના કામ માટે ૧૪ મેના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારપછીની ૨ દિવસ પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેશે, જેની શહેરવાસીઓએ નોંધ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરના પાણી પુરવઠા પ્રણાલીને વધુ અસરકારક બનાવવા માટે મચ્છુ-૨ ડેમ હેડ વર્કસ ખાતે ૨૫૦ હોર્સપાવરના બે નવા પંપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ પંપને કાર્યરત કરવાની પ્રક્રિયામાં GWSSBની ચાલુ લાઈનમાં જોડાણ માટે લાઈનમાં શટડાઉન લેવાનું રહેશે. આ મહત્ત્વની કામગીરી તા.૧૪/૦૫ના રોજ સવારે ૮:૦૦થી રાત્રિના ૮:૦૦ સુધી હાથ ધરવામાં આવશે. જેથી આ સમયગાળા દરમિયાન મચ્છુ-૨ ડેમમાંથી પાણી ઉઠાવી શકાશે નહીં. જેથી તા.૧૪/૦૫ના બપોરે ૧૨:૦૦ કલાકથી તા.૧૫/૦૫ના સવારના ૬:૦૦ વાગ્યા સુધી મોરબી શહેરના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આ પછીની સ્થિતિ સામાન્ય થવામાં પણ સમય લાગશે. પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થવામાં અંદાજે ૪૮ કલાક જેટલો સમય લાગશે. તેથી તા.૧૫ તથા ૧૬ મેના રોજ પાણી વિતરણ અનિયમિત રીતે થશે. ત્યારે મહાનગરપાલિકા તરફથી જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરી છે.