મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે. ત્યારે ગઈકાલે મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને ગઈકાલે એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે પર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા મારે છે તે કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે. તેથી પીડીત કિશોરીને ૧૮૧ ની ટીમની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિબેન ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. ૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી. ત્યારે કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેના માતા -પિતા બંને મૃત્યુ પામ્યા છે અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે રહેતી હતી. ત્યાં તેમને ત્રાસ આપતા હોવાથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને કહ્યા વગર ચાલતા-ચાલતા વાંકાનેર ચોકડી પહોંચી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને તેમના માસા-માસી સાથે વાતચીત કરી કિશોરીનું ધ્યાન રાખવા અને તેમને શિક્ષણ આપવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી પણ આપવામં આવી હતી.