બનાવટી બીલ્ટી દ્વારા મુદ્દામાલ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ.
મોરબી-૨ ખાતે ટી.કે. હોટેલ પાછળ આવેલા ભારત રોડવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૬૦ બોટલ ઝડપી લેવામાં આવી છે. બનાવટી બીલ્ટીનો ઉપયોગ કરીને મોકલાયેલ આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનારની સામે ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે આગળની તપાસ ચલાવી છે. હાલ પોલીસે બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી-૨ વિસ્તારમાં ટી.કે. હોટેલ પાછળ આવેલ ભારત રોડવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં પાંચ ખાખી બોક્સમાં વિદેશી દારૂ ભરેલો છે અને આ બોક્સ મોબાઇલ નંબર ૯૬૨૪૬ ૨૦૨૧૭ વાપરનાર વ્યક્તિએ મંગાવ્યા છે. જેથી પોલીસ ટીમ દ્વારા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રેઇડ કરતા જ્યાં પાંચ ખાખી બોક્સમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિ.રૂ.૧,૨૩,૪૮૦/- મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટ સંચાલકની પૂછપરછ કરતા ખુલ્યું કે આરોપી રામદેવસિંહ રહે. રાયસંગપર તા. મુળી જી. સુરેન્દ્રનગર દ્વારા “બહુચર એગ્રો” નામની ખોટી બીલ્ટી બનાવી ઉપરોક્ત ટ્રાન્સપોર્ટમાં મોકલી આપ્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી મુદ્દામાલ મંગાવનાર રામદેવસિંહ રહે.ગામ રાયસંગપર તા.મુળી જી.સુરેન્દ્રનગર તથા મુદ્દામાલ મોકલનાર મોબાઇલ નં.૭૨૬૫૦૦૯૫૮૯ વાપરનાર વ્યક્તિ તેમજ તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ બીએનએસ તથા પ્રોહી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









