સવારે ૪ વાગ્યે પાર્ક કરેલ બાઇક માત્ર એક કલાકમાં ગાયબ, ૮ મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ.
મોરબી શહેરના સામાકાંઠે ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર બાઇકની ચોરી થયા અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વહેલી સવારે ૪ વાગ્યે કારખાનેથી પરત આવી ઘર પાસે પાર્ક કરેલ બાઇક માત્ર એક જ કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હોવાનું સામે આવ્યું છે, બાઇક ચોરી ઘટના બાદ લાંબા સમય સુધી શોધખોળ છતાં બાઇક ન મળતા આશરે ૮ મહિના બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી-૨ વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ આવેલી ભક્તિનગર સોસાયટીમાં શેરી નં.૧ બ્લોક વાળી શેરીમાં રહેતા મૂળ માળીયા(મી)ના મોટી બરાર ગામે રહેતા ફરિયાદી જયેશભાઈ ગોવિંદભાઈ મુચ્છડીયા ઉવ.૩૮ એ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાફીને નાનાભાઈ હરેશભાઇએ તા.૧૭/૦૭/૨૦૨૫ના રોજ વહેલી સવારે ૪ વાગ્યે હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-સી-૨૬૯૩ બાઇક ઘર આગળ પાર્ક કર્યું હતું. બાદમાં સવારે ૫ વાગ્યે ફરિયાદી જયેશભાઇ ઘર બહાર આવ્યા ત્યારે ઉપરોક્ત બાઇક કોઈ ચોરી કરીને લઈ ગયું હતું. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં બાઇક મળી ન આવતા અંતે તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ ઓનલાઈન ઇ-એફઆઈઆર નોંધાવી બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રૂબરૂ સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.









