મોરબીમાં એક વર્ષ પહેલાં વ્યાજના રૂપિયા અંગે પોલીસમાં આપેલ અરજીનું મનદુઃખ રાખી બે વ્યાજખોર શખ્સોએ વેપારી યુવકને મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક ઉભા રાખી લોખંડના લાઈપ વડે માર મારી પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ વેપારી યુવક દ્વારા બન્ને વ્યાજખોર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોકુલ-મથુરા સોસાયટી મારુતિનંદન એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૧ કેનાલ રોડ ઉપર રહેતા અને સીરામીક ટ્રેડિંગનું કામ કરતા કેવલભાઈ વિનોદભાઈ હરણીયા ઉવ.૨૩ એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સુરેશભાઈ જેમલભાઈ ભુંભરીયા રહે. ગજડી ગામ તા.ટંકારા તથા આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢારીયા રહે. રામપર તા.ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ તા. ૧૨/૧૧ના રોજ ફરિયાદી કેવલભાઈ તેમની ઓફીસ નીચે હતા તે દરમિયાન બન્ને આરોપીઓએ આવી કેવલભાઈને ગાળો આપવા લાગ્યા હતા અને કહેલ કે, વ્યાજના પૈસા બાબતે પોલીસમાં અરજી કરી હતી અને સમાધાન થયું હતું તે ભૂલી જા, તેમ કહી બન્ને આરોપીઓએ લોખંડના પાઇપ વડે જેમફાવે તેમ આડેધડ માર મારવા લાગ્યા હતા, ત્યારે ત્યાં આજુબાજુ માણસો ભેગા થઈ જતા, બન્ને શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. હાલ બી ડિવિઝન પોલીસે કેવલભાઈની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ સામે બીએનએસ અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









