મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડીમાં રહેતા પ્રૌઢ દંપતીને ત્યાંના જ લતામાં રહેતા એક જ પરિવારની ચાર મહિલા સહિત પાંચ શખ્સોએ ધારીયા તથા બેફામ મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ગગાયલ પ્રૌઢ પતિ-પત્નીને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-૨: સો ઓરડીમાં પ્રૌઢ દંપતીને માર મારતા ચાર મહિલા સહિત પાંચ સામે ફરિયાદ દાખલ
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ સો ઓરડી વિસ્તારમાં રહેતા પ્રભાબેન રમેશભાઈ ચતુરભાઈ સિચણાદા ઉવ.૫૫ એ આરોપી વિવેક કિશોરભાઈ ધોળકીયા, વિવેકભાઈની માતા ગુલાબબેન, વિવેકભાઇ ભાઈની પત્ની, વિવેકભાઇ ભાભુ તથા વિકકીના પત્ની સહિત પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, અગાઉ આરોપી વિવેકને ફરિયાદીની પુત્રવધુ સાથે પ્રેમ સંબંધ હોય જેનું મનદુઃખ અને ખાર રાખી આરોપી વિવેક ફરિયાદીના ઘર પાસે જોર જોરથી ગાળો બોલતો હોય, જેથી ફરિયાદી પ્રભાબેને ગાળો આપવાની ના પાડતા ઉપરોક્ત ચારેય આરોપી મહિલા ફરિયાદી પ્રભાબેનના ઘરમાં ઘુસી, તેમને બેફામ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા, આ દરમિયાન આરોપી વિવેકે ફરિયાદિના પતિ રમેશભાઈને વાસામાં ધારીયાનો ઉંધો ઘા મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે હાલ બી ડિવિઝન પોલીસે તમામ આરોપી સામે બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









