મોરબી: નવા વર્ષની ઉજવણી પૂર્વે મોરબીમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં નેશનલ હાઇવે ઉપર આવેલ અક્ષર કોમ્પ્લેક્ષ પાસેથી એક ઇસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડવામાં આવ્યો છે. હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ એલસીબી ટીમે બી ડિવિઝન પોલીસ મથકમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ અધીક્ષકની સૂચનાથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી એલ.સી.બી. મોરબી દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાહેર સ્થળો, હોટલ, ફાર્મહાઉસ તથા ભીડભાડવાળી જગ્યાઓ પર અનિચ્છનીય બનાવો ન બને તે માટે સઘન ચેકિંગની કામગીરી ચાલી રહી હોય તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બરથી આગળ ઉમીયાનગર જવાના રસ્તે આવેલ અક્ષર કોમ્પ્લેક્ષ નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી આરોપી ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ ઉવ.૩૩ રહે. લાલપર તા.જી.મોરબી વાળાને દેશી હાથ બનાવટના લોખંડના તમંચા કિ.રૂ.૨,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.









