મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજુઆત.
મોરબીના અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વરસાદી મોસમમાં ભૂગર્ભ ગટર, રસ્તા, પીવાનું પાણી અને સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ બિસ્માર હાલતમાં હોવાનું જણાવી ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના જીલ્લા પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર સહિતના આગેવાનોએ મોરબી મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજુઆત કરી છે. જનહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે જુદા જુદા વિસ્તારોના લોકોના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી ત્વરિત સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર તથા અન્ય આગેવાનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અનુસૂચિત જાતિના વિસ્તારોમાં વરસાદી મોસમને કારણે રસ્તાઓ, ગટરના પાણીનું ઉભરાવું, પીવાના પાણીની અછત અને સાફ સફાઈ જેવી સમસ્યાઓ વ્યાપક બની છે. ખાસ કરીને હરિઓમ સોસાયટી, રચના વિદ્યાલય પાસે, ભડિયાદ વિસ્તાર ખાતે છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાય છે, જેના લીધે દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી નાગરિકો હેરાન છે.
આ વિસ્તાર શ્રમજીવી વર્ગનો હોવાથી લોકો રોજગાર માટે વહેલી સવારથી નીકળી જાય છે અને આવી પરિસ્થિતિમાં આરોગ્ય બાબતે ગંભીર ખતરો ઉભો થાય તેવી શક્યતા વધી છે. ઉપરાંત, નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોના આરોગ્ય પર પણ વિપરીત અસર થવાની દહેશત વ્યાપી છે. આ વિસ્તારમાં અનુસૂચિત જાતિના વધુ વસ્તી ધરાવતા વિસ્તારો જેમ કે રોહિદાસપરા, ભીમરાવનગર, આંબેડકર કોલોની, જવાહર સોસાયટી, ગાંધી સોસાયટી, માળીયા વનાળીયા, લાયન્સનગર, વાલ્મિકીવાસ, ઇંદિરાનગર, બૌદ્ધનગર, હરિઓમ સોસાયટી, જીવરાજ પાર્ક વગેરેમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.