મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં પૌત્રી પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલ જે બાબતે તેના સગાઓ સાથે થયેલ બોલાચાલીનો પૂર્વગ્રહ રાખી ઘરમાં ઘુસી બે શખ્સોએ વૃધ્ધા સહિતના પરિવારના સભ્યોને ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે વૃધ્ધા સહિતના પરિવારના ત્રણ જેટલા સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, હાલ ભોગ બનનાર વૃધ્ધાની ફરિયાદને આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી-૨ ભડીયાદ, સાયન્સ કોલેજ પાછળ જવાહર સોસાયટીમાં શેરી નં.૫ માં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળીયા ઉવ.૬૦ એ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી સુમિત હસમુખભાઈ તથા પિયુષ હસમુખભાઈ રહે.બન્ને મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ, જગુબેન પોતાનાં પરિવાર સાથે મોરબી શહેરમાં રહે છે. તેમના દિકરા મહેન્દ્રભાઈની દિકરી આરતીબેન, થોડા સમય પહેલાં પ્રેમલગ્ન કરીને ઘર છોડીને ભાગી ગયી હતી, ત્યારે ગઈકાલે સવારે દસ વાગ્યાના અરસામાં જયારે જગુબેન તેમના દિકરા વસંતભાઈ, મહેન્દ્રભાઈ અને પૌત્ર પ્રદિપ સાથે ઘરમાં હાજર હતા ત્યારે આરતીબેનના પ્રેમીપતિના કાકાના ભાઈઓ આરોપી સુમીતભાઈ હસમુખભાઈ અને આરોપી પીયુષભાઈ હસમુખભાઈ ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેઓએ વસંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી અને વાત વણસતાં આરોપી સુમીતભાઈએ વસંતભાઈને ધક્કો માર્યો અને ગાળો બોલવા લાગ્યા હતા, જેથી જગુબેન સમજાવવા જતા આરોપી સુમીત ઉશ્કેરાઈ ગયો અને તેણે લાકડાનો ધોકો જગુબેનના હાથમાં મારી દેતા, તેમને બચાવવા જતા તેમનો દિકરો મહેન્દ્રભાઈ અને પૌત્ર પ્રદીપને પણ આરોપી પીયુષભાઈએ ધોકા વડે માર માર્યો હતો. જેથી પ્રદીપના માથે ધોકો લાગતાં લોહી નીકળ્યું અને મહેન્દ્રભાઈને મોઢામાં ઈજા પહોંચી હતી. ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થતા આરોપી બને ભાગી છૂટ્યા હતા. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી ત્રણેય ઇજાગ્રસ્તને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં જગુબેનના હાથમાં ફ્રેક્ચર તથા પ્રદીપના માથામાં ત્રણ ટાંકા આવ્યાં હતા. હાલ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.