મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રોયલ પાર્ક શેરી નં.૩ માં ઘર પાસે પાણી ઢોળવા બાબતે પાડોશી મહિલાએ તેમના પિતાને બોલાવી દંપતીને લોખંડના પાઇપ અને ઢીકા પાટુનો માર મારી બન્ને પતિ-પત્નીને માથામાં તથા શરીરે ઇજાઓ પહોંચાડી હતી. હાલ ભોગ બનનાર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પિતા-પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર હરિગુણ પ્લાઝાની બાજુમાં રોયલ પાર્ક શેરી નં.૨ માં રહેતા ડેનિશભાઈ વિઠ્ઠલભાઇ ભલાણી ઉવ.૩૦ એ આરોપી રસીલાબેન અને રસિલાબેનના પિતા એમ બે આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૧૧/૧૧ના રોજ બપોરે ડેનિશભાઈના પત્ની નિરાલિબેનથી ભૂલમાં બહાર પાણી ઢોળાઈ જતા, પડોશમાં રહેતા આરોપી રસિલાબેને ડેનિશભાઈની પત્ની સાથે બોલાચાલી ઝઘડો શરૂ કર્યો હોય તે દરમિયાન આજુબાજુના લોકોએ ઝઘડો ન કરવા સમજાવતા ડેનિશભાઈની પત્ની અને ડેનિશભાઈ ઘરમાં ચાલ્યા ગયા હતા, જે બાદ રસિલાબેને તેમના પિતાને બોલાવી લાવી ફરી પાછો ઝઘડો શરૂ કરી ત્યારે આરોપી રસિલાબેનના પિતાએ ડેનિશ ભાઈને લોખંડના પૈપથી માથામાં ઘા મારી દીધો હતો જ્યારે આરોપી રસિલાબેને ફરિયાદીના પત્નીને ઢીકા પાટુનો મૂંઢમાર માર્યો હતો. હાલ બી ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









