જાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા માથાભારે શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
મોરબી-૨: ‘પેસેન્જર ભરવા હોય તો હપ્તો આપવા પડશે’ જે માંગણીનો વિરોધ કરતા રીક્ષા ચાલક ઉપર છરીથી હુમલો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક નજીક રીક્ષા ચાલક ઉપર છરીથી હુમલાની ઘટના બની હતી. જેમાં માથાભારે શખ્સ દ્વારા પેસેન્જર ભરવા બદલ દરરોજના પચાસ રૂપિયાનો હપ્તો માંગતા જે આપવાની રીક્ષા ચાલક દ્વારા ના પાડતા છરી વડે દાઢીના ભાગે ઘા માર્યો હતો. હુમલા બાદ બીભત્સ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા, ભોગ બનનાર દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે એટ્રોસિટી તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ ઇન્દિરાનગરમાં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર ઉવ.૨૮ એ આરોપી અબ્બાસભાઈ અલ્લારખાભાઈ મોવર રહે. ટીંબડી પાટીયા પાસે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી રણછોડભાઈ પોતાની માલિકીની સી.એન.જી. રીક્ષા પેસેન્જર ભાડામા ચલાવતા હોય અને આરોપી અબ્બાસ પોતાના ભાઈ ઇમરાનની સી.એન.જી. રીક્ષા ચલાવતો હોય, ત્યારે માળીયા ફાટક નજીક પેસેન્જર ભરવા હોય તો આરોપી અબ્બાસે ફરિયાદી પાસે રોજના રૂ.૫૦ નો હપ્તો માગ્યો હતો, સાથે સાથે આરોપીએ કહ્યું કે અહીંયા બીજા રીક્ષા ચાલકો પણ હપ્તો આપે છે, તારે પણ આપવો પડશે, જે હપ્તો આપવાની રણછોડભાઈએ ના કહેતા એકદમ ઉશ્કેરાયેલ આરોપી અબ્બાસે છરીનો એક ઘા રણછોડભાઈને દાઢીના ભાગે મારી દીધો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ બાબતે ભોગ બનનાર રણછોડભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.