કાલિન્દ્રી નદી નજીક મેલડી માતાજીના મંદિર પાસે વૃક્ષોને નુકસાન થતું હોવાની દલીલ કરી માર માર્યો: બંને હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થતાં રાજકોટ ખસેડાયો.
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં કાલિન્દ્રી નદી પાસે ભેંસ ચરાવવા ગયેલા ૨૦ વર્ષીય યુવાન પર મંદિરમાં કામ કરતા એક શખ્સે ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે ગુનો નોંધી આગળની તજવીન શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઇન્દિરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા મયુરભાઈ લવજીભાઈ ધોડકિયા ઉવ.૨૦ ગઈકાલ તા.૧૨ નવેમ્બરના રોજ સવારે ભેંસ ચરાવવા કાલિન્દ્રી નદી પાસે મેલડી માતાજીના મંદિર નજીક ગયા હતા. દરમિયાન ત્યાં મંદિરનું કામ કરતા આરોપી નવીનભાઈ મનસુખભાઇ માનેવાડિયાએ મંદિર પાસેના વૃક્ષોને ભેંસો નુકસાન પહોંચાડતી હોવાની વાત કરી બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને ધોકા વડે મયુરભાઈને માર માર્યો હતો અને ફરી અહીં ભેંસ ચરાવવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં મયુરભાઈને જમણા હાથના કોણી પાસે અને ડાબા હાથના કાંડા પાસે ફ્રેક્ચર જેવી ઇજાઓ તેમજ મોઢા પર સામાન્ય ઇજા થઈ હતી. તેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મયુરભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી નવીનભાઈ મનસુખભાઈ માનેવાડિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






