દીકરી વ્હાલનો દરિયો છે તેવા વાક્યો આપણે સાંભળતા હોઈએ છીએ. પરંતુ સમાજમાં હજુ પણ દીકરા અને દીકરી વચ્ચે ક્યાંક ને કયાંક ભેદભાવ થતો જોવા મળતા હોય છે. અને નવ દંપતીઓને પણ દીકરી કરતા દીકરાની આશા વધુ હોય છે તેવા સમયમાં દીકરો – દીકરી એક સમાન તેવો સંદેશો આપતું કાર્ય મોરબીના યુવાને દ્વારા કરવામાં આવ્યું છે. મોરબીના યુવાનના ઘેર લક્ષ્મીજી પધારતા એટલે કે દીકરીનો જન્મ થતાં મહાશિવરાત્રીના દિવસે ગૌશાળાઓમાં ૫૧ હજારથી વધુ રોટલાનું વિતરણ કરી ગૌસેવા સાથે દીકરી જન્મના અનોખા વધામણા કરી સમાજને નવી રાહ ચીંધશે…
લાલપર ગામના વતની અને હાલ મોરબી સ્થાયી થયેલા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા ઘેર લક્ષ્મીજી પધાર્યા છે. એટલે કે દીકરીનો જન્મ થતાં આદ્રોજા પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવશે. જન્મદિવસની ઉજવણીના વૈભવી કે ખોટા ખર્ચા કરીને દેખાડો કરવામાં આવતો હોય છે. જેના બદલે આદ્રોજા પરિવાર દીકરીના જન્મ નિમિતે ગૌશાળાની ગાયોની સેવા કરશે. આગામી તા. ૨૬ ને બુધવારના રોજ મહા શિવરાત્રીના પાવન અવસરે જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા મોરબી આજુબાજુની તમામ ગૌશાળામાં આશરે ૫૧,૧૧૧ રોટલાનું વિતરણ કરી દીકરીના જન્મના અનોખા વધામણા કરવામાં આવશે. આમ, યુવાને અનોખી રીતે લક્ષ્મીજીને આવકારી સમાજને પણ નવો રાહ ચીંધ્યો છે. ગૌસેવા એ જ પ્રભુસેવા એ ભારતીય સંસ્કૃતિને પણ તેઓ દીકરીના જન્મના વધામણા કરી ઉજાગર કરશે.