સરહદી રેન્જ ભુજની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત દારૂના પાંચ ગુનાના અને ઘરફોડ ચોરીના એક ગુનાના ફરાર આરોપીઓને પકડી લેતી એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડ.
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે અલગ-અલગ પોલીસ સ્ટેશનના પાંચ પ્રોહિબિશન અને એક ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા કુલ છ આરોપીઓને ઝડપી સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. જેમાં દાહોદનો એક આરોપી ગુજરાત અને રાજસ્થાનમાં ૫૪ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.
સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક દ્વારા તા. ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓ અને તપાસ દરમિયાન પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને બાતમીદારોની મદદથી કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં મોરબીના લખધીરપુર રોડ પર વૈભવ હોટલ સામે રહેતી શોભનાબેન નવઘણભાઈ હમીરપરા ઉવ.૩૭, વાંકાનેરના જડેશ્વર મંદિર પાસે ઝૂંપડામાં રહેતો સોમાભાઈ લધુભાઈ વાઘેલા ઉવ.૨૫, મોરબીના લીલાપર મેલડી માતાની શેરીમાં રહેતો નવઘણભાઈ જેઠાભાઈ દેગામા ઉવ.૨૮, મોરબીના કાંતિનગરમાં રહેતો ગનીભાઈ જાકુબભાઈ નોડે ઉવ.૩૫ અને મોરબીના વીસીપરા કુલીનગર-૧માં રહેતો સલીમભાઈ ઉર્ફે રાહુલ ફિરોજભાઈ પઠાણ ઉવ.૨૯ એમ આ પાંચેય આરોપીઓ પ્રોહિબિશનના અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા હતા.
આ ઉપરાંત દાહોદ જીલ્લાના જાલોદ તાલુકાના લીમડી પ્રતાપનગરમાં મોડર્ન સ્કૂલ પાસે રહેતા પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની ઉવ.૪૫ને દાહોદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. તે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ ૨૦૨૩ના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર હતો. આ ઉપરાંત આ આરોપી ગુજરાત અને રાજસ્થાન રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા આશરે ૫૪ ઘરફોડ ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.
ઉપરોક્ત ઝડપાયેલા નાસતા ફરતા છ આરોપીઓને સંબંધિત વાંકાનેર સીટી, મોરબી સીટી એ ડિવિઝન, મોરબી તાલુકા અને હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પીએસઆઇ બી.ડી. ભટ્ટ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ વી.જી. માલાણી તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા કરવામાં આવી હતી.






