પોલીસને દૂરથી જોઈ વિદેશી દારૂની બોટલ ભરેલ એકટીવા મૂકીને ચાલક નાસી ગયો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ માધાપર માર્કેટ નજીક વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન સુરજ બાગ તરફથી આવતા એક એકટીવા મોપેડનો ચાલક પોલીસને જોઈ એકટીવા મૂકીને નાસી ગયો હતો, જે એકટીવામાંથી વિદેશી દારૂની ૬ બોટલ મળી આવતા, પોલીસે આરોપી એકટીવા ચાલકને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરના માધાપર માર્કેટ નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાહન ચેકીંગની કામગીરી કરતા હોય ત્યારે સુરજ બાગ તરફથી આવતા એકટીવાના ચાલકે દૂરથી પોલીસને જોઈ પોતાનું એકટીવા મોપેડ રાખી નાસવા જતો હોય ત્યારે પોલીસ તેને પકડવા પાછળ દોડી પરંતુ અંધારાનો લાભ લઇ આરોપી નાસી છૂટ્યો હતો, જ્યારે બીજીબાજુ એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૭૦૮૯ કિ.રૂ.૫૦ હજારની ડેકીમાંથી વિદેશી દારૂ વાઈટ વોડકા ઓરેન્જ ફ્લેવરની ૬ નંગ બોટલ કિ.રૂ.૨,૧૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા મોપેડ તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૫૨,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી એકટીવા ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.