ઓફિસ તથા તિજોરીની ચાવી લઈને અજાણ્યા તસ્કરે મોટા પાયે ચોરીને અંજામ આપ્યો
મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ કંપની નામની ઓફિસમાં તિજોરીમાં રાખેલ ૭.૦૧ લાખની રોકડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ચોરી કરવા આવેલ અજાણ્યા તસ્કરે ઓફિસ તથા તિજોરીને કોઈ માસ્ટર કી વડે ખોલી મોટો દલ્લો સાફ કર્યો છે. હાલ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગયી હોય જેમાં મોઢે રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરે ઓફીસ તથા ઓફિસની તિજોરી કોઈ માસ્ટર કી દ્વારા ખોલી સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. ફાયનાન્સ કંપનીના બ્રાંચ મેનેજર દ્વારા અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,મૂળ પડધરી તાલુકાના ખોખરી ગામના વતની હાલ મોરબી નાની વાવડી કબીરપાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૬ જેઓ લાઈટ માઈક્રો ફાયનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે શનાળા રોડ સત્યમ પાનવાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી, જેમાં સમગ્ર ચોરીની ઘટના અંગેના સીસીટીવી ફૂટેજમાં ગઈ તા.૧૫/૧૧ના રોજ રાત્રીના ૧૦.૩૦ વાગ્યે મોઢે રૂમાલ અને માથા ઉપર ટોપી પહેરીને આવેલ ચોર ઇસમે ઓફીસનું તાળું કોઈ માસ્ટર કી વડે ખોલી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ ઓફિસમાં રાખેલ તિજોરીને પણ કોઈ ચાવીથી ખોલી તેમા રાખેલ ઓફીસ કલેક્શનના રોકડા રૂ.૭,૦૧,૫૦૦/-ની ચોરી કરી લઈ ગયો હતો, જે મુજબની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.