મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મિનરલ્સના કારખાનામાં બોલમીલ વિભાગમાં ઉભેલ લોડરને તેના ચાલક દ્વારા આગળ પાછળ જોયા વગર તેનું બકેટ અચાનક ઊંચું કરીને ચાલુ કરીને ચલાવતા બકેટમાં રમી રહેલા ૩ વર્ષીય બાળક બકેટમાંથી નીચે જમીન ઉપર પડ્યું હતું અને લોડરનું તોતિંગ વ્હીલ માસુમ બાળકના શરીર ઉપર ચડી જતા ૩ વર્ષીય બાળકનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, હાલ મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુરા જિલ્લાના તીતીગામના વતની હાલ લખધીરપુર રોડ કાલિકાનગર ગામ નજીક આવેલ તુલસી મીનરલ્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા જીતેન ગુમનસિંહ મનાભાઇ ડાવર તુલસી કારખાનાના બોલમીલ વિભાગમાં કામ કરતા હોય ત્યારે ગત તા.૧૩/૧૦ના રોજ જીતેનભાઈનો ત્રણ વર્ષીય પુત્ર શિવા લોડર રજી.ન. જીજે-૩૬-એસ-૩૭૧૭ ના સુપડામાં રમતો હોય ત્યારે આ લોડરનો ચાલક સુનીલભાઇ કાળુભાઇ મેડા રહે.મધ્યપ્રદેશવાળાએ પોતાના હવાલાનું લોડર વાહન ચાલુ કરી આગળ પાછળ જોયા વગર ગફલતભરી રીતે ચલાવી લોડરનું આગળનું સુંપડુ ઉચુ કરતા સુપડામાં રમતો ફરીયાદીનો દીકરો સુંપડામાંથી નીચે જમીન પર પડી ગયો હોય ત્યારે લોડર આગળ ચાલતા લોડરનું વ્હીલ માસુમ બાળકની છાતીના ભાગ ઉપરથી ફરી વળતા છાતીનો ભાગ દબાઇ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ ઉલર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી લોડરના ચાલક સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.