મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધે તે જ વિસ્તારમાં રહેતા ઇસમને હાથ ઉછીના રૂપિયા આપ્યા હોય જે રૂપિયા પરત આપવા વૃદ્ધને આ ઇસમે પોતાના ઘર પાસે બોલાવી ‘રૂપિયા નથી થાય તે કરી લ્યો’ તેમ કહી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર શેરી નં ૪ માં રહેતા ૭૦ વર્ષીય જયંતીભાઈ મુળજીભાઈ ભલસોડ નામના વૃદ્ધે મહેન્દ્રપરા શેરી નં.૨ માં રહેતા સુનિલ લુહાર નામના વ્યક્તિને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા, ત્યારે સુનિલ લુહારે ઉપરોક્ત ઉછીના રૂપિયા પરત લેવા માટે જયંતિભાઈને તેના ઘર પાસે બોલાવેલ જેથી જયંતીભાઈ ગઈકાલ તા. ૧૨/૧૦ના રોજ બપોરના ૧૨ વાગ્યા આસપાસ સુનિલ લુહારના ઘરે ગયા ત્યારે રૂપિયા પરત આપવાની માંગણી કરતા જ સુનિલ લુહાર એકદમ ઉશ્કેરાઈ કહેલ કે ‘રૂપિયા નથી થાય તે કરી લ્યો’ તેમ કહી બીભત્સ ગાળો આપતા વૃદ્ધે ગાળો આપવાની ના પાડતા પોતાના ઘરમાં જઈ લાકડાનો ધોકો લઈ વૃદ્ધને મારવા લાગ્યો ત્યારે દેકારો થતા આજુબાજુ લતાવાસીઓએ વૃદ્ધને વધુ મારથી છોડાવ્યા હતા, જેથી જયંતિભાઈને શરીરે મૂંઢ ઇજાઓ સબબ મોરબી સિવિલ હોસ્પિટલે તેમના દીકરા દ્વારા સારવારમાં લઈ ગયા હતા, ત્યારે હોસ્પિટલના બિછાનેથી ઉપરોક્ત આરોપી સુનિલ લુહાર રહે.મહેન્દ્રપરા શેરી નં. ૨ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.