હાલ ઇજાગ્રસ્ત યુવકની સ્થિતિ નાજુક,બેભાન હાલતમાં વેન્ટીલેશન ઉપર હોય.
મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર વાળ-દાઢી માટે આવેલ યુવક ઉપર તેના સાળા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બહેન સાથે છૂટાછેડા લીધા હોવાનો ખાર રાખી બનેવીને છરીના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે, હાલ ઇજાગ્રસ્ત યુવક મોરબી સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર ઉપર હોય ત્યારે તેના મોટાભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, મોરબી વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા હુશેન ઉર્ફે ઇમરાન મયૂદીનભાઈ કટીયા એ સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી અલી હુશેનભાઈ ભટ્ટી રહે.જોન્સનગર ઢાળીયા ઉપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર આજથી અઢી વર્ષ પહેલાં ફરિયાદી હુશેન ઉર્ફે ઇમરાનભાઈના નાનાભાઈ અજરૂદીનના લગ્ન જોન્સનગર ઢાળીયા પાસે રહેતા હુશેનભાઈ ભટ્ટીની દીકરી સાથે થયા હતા, જે દીકરીને માનસિક બીમારી હોવાથી પાંચ-છ મહિના ઘર સંસાર ચાલેલ બાદ અજરૂદીન તેની પત્નીને તેના પિયર મૂકી આવ્યો હતો, જે બાદ એક વર્ષ પછી તેની પત્નીએ ભરણ-પોષણ અંગે કેસ કર્યો હતો, તે દરમિયાન ત્રણ મહિના પહેલા બંને પરિવારે રાજી-ખુશીથી સમાધાન કરી કોર્ટમાં બંનેના છૂટાછેડા કર્યા હતા.
ત્યારે બહેનના છુટાછેડાનો ખાર રાખી ગત તા.૦૩/૦૩ ના રોજ અજરૂદીન જ્યારે વાળ-દાઢી કરાવવા અયોધ્યાપુરી રોડ ઉપર ગયો હોય ત્યારે અજરૂદીનના સાળા આરોપી અલી હુસેનભાઈએ તેને પેટના ભાગે છરીના બે ઉંડા ઘા મારી દીધા હતા, ત્યારે ઇજાગ્રસ્ત હાલતમાં અજરૂદીનને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું અને બેભાન હાલતમાં વેન્ટીલેટર ઉપર છે, જે મુજબની ફરિયાદને આધારે પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.