મોરબી તાલુકાના ગાળા ગામે આવેલ એક ફેક્ટરીની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ટેન્કરમાં ભરી અન્ય બીજી ફેક્ટરીમાં ખાલી કરવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના સલામતીના સાધનો પુરા ન પડવાને લીધે શ્રમિક યુવક સેફટી ટેન્કમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મુજબની મૃતક યુવકના પિતાએ સીરામીકના જવાબદાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સુ.નગર જીલ્લાના ભડવાણા ગામના વતની અને હાલ રાજકોટ શાસ્ત્રીનગર શેરી નં.૧૧ માં રહેતા જયંતીભાઇ દુદાભાઇ લઢેર ઉવ.૫૫ એ તાલુકા પોલીસ મથકમાં ગ્રેસર્ટ સીરામીક કારખાના જવાબદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર ગઈ તા.૧૫/૦૩ ના રોજ ફરીયાદી જયંતિભાઇના દીકરા અજયને ગ્રેસર્ટ સીરામીક કારખાનાના જવાબદાર માણસોએ કોઇપણ પ્રકારની સેફ્ટી અને સલામતીના સાધનો આપ્યા વગર ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફ્ટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી એડીકોન સીરામીક કારખાનાની સેફ્ટી ટેન્કમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા હોય ત્યારે અજય સેફ્ટી ટેન્કમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સેફટી ટેન્કના ગંદા પાણી ખાલી કરવા વખતે સીરામીક કંપની દ્વારા દાખવવામાં આવેલ બેદરકારીને કારણે થયેલ મૃત્યુ બદલ પોલીસે ગેસર્ટ સીરામીકના જવાબદાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.