એસટી કેરિયર બસના ઠાઠામાં એસટી બસ અથડાયા બાદ ટ્રક અને કારને ઠોકરે ચડાવ્યા, પેસેન્જરો સહિત ૬ લોકોને સામાન્ય ઇજાઓ.
મોરબી તાલુકાના જેપુર ગામ નજીક ત્રિમંદીર સામે એસટી બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી, જેમાં એસટી કેરિયર બસ, ટ્રક, કાર અને જે અકસ્માત કરેલ તે એસટી બસ સહિતના વાહનોમાં નુકસાની પહોંચી હતી, જાનહાની સ્હેજમાં ટળી હતી, જો કે એસટી બસમાં બેઠેલા મુસાફરો અને એસટી કેરિયર બસ સવાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાલ એસટી કેરિયર બસના ચાલક દ્વારા એસટી બસ ડ્રાઇવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અને મોરબી એસટી વર્કશોપમાં ડ્રાઇવર/હેલ્પર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ દિનકરરાય ભટ્ટ ઉવ ૫૦ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં એસટી બસ રજી.ન. જીજે-૧૮-ઝેડ-૭૬૩૮ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૩/૦૩ના રોજ પરેશભાઈ એસ.ટી બસ કેરીયર નંબર જીજે-૧૮-વાય-૮૧૧૦ વાળી લઈને નાની બરાર ગામે અન્ય બસમાં ફોલ્ટ થતા તે લેવા જતા હોય ત્યારે મોરબી તાલુકાના જેપુર ગામ નજીક, ત્રિમંદીર, બ્રહ્મપુરી સોસાયટી પાસે પહોચતા સામેથી કાર આવતી હોય જેથી કેરિયર બસ ઉભી રાખી દીધેલ અને સામે કારવાળાએ પોતાની કાર ઉભી રાખી દીધેલ અને ટ્રકવાળાએ ટ્રક ઉભી રાખી દીધેલ ત્યારે પાછળ આવતી મોરબી ડેપોની એસટી બસ રજી.નં. જીજે-૧૮-ઝેડ-૭૬૩૮ના ચાલકે પોતાના હવાલા વાળી બસ ફુલ સ્પીડમા આવી કેરિયર બસના ઠાઠાના ભાગે ભટકાડતા આગળ રહેલ ટ્રક અને કાર સાથે કેરિયર બસ અથડાઈ અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતના બનાવમાં કેરિયર બસ ચાલક પરેશભાઈ તેમજ તેમની સાથે રહેલ અનિરૂધ્ધસિંહ તથા અકસ્માત સર્જનાર એસટી બસમા બેસેલ મુસાફરોને સામાન્ય ઇજા પહોચી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે આરોપી એસટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.